રસોડું:- મમ્મીની પ્રયોગશાળા

રસોડું:- મમ્મીની પ્રયોગશાળા

  કદાચ ટ્રેનનો કોઈ રૂટ બંધ થઈ જાય, કદાચ કોઈ બોસ પોતાના એમ્પ્લોઈને ખીજાતો બંધ થઈ જાય, કદાચ ગૃહકાર્ય ન કર્યું હોય એવા વિદ્યાર્થીઓના બહાનાઓ પણ બંધ થઈ જાય,.. પણ આ જગતમાં એક એવી વસ્તુ પણ છે, જે કદાચ ક્યારેય બંધ નથી થતી. જી હાં... અહીંયા વાત કરીએ છીએ રસોડાની; મમ્મીનાં રસોડાની. 

સવારે જ્યારથી મમ્મી ઉઠે ત્યારથી એમનું રસોડું પણ ઉઠી જાય. ઓફિસમાં કામ કરતાં લોકોને તો રજાઓ પણ મળે અને કયારેક બોનસ પણ. પણ અહીંયા તો સેલેરી એટલે પરિવારના સભ્યોનો ઓડકાર, બોનસ રૂપે બસ થોડાં વખાણ પણ ચાલી જાય, અને કદાચ આ પ્રકારનું બોનસ ના પણ મળે તોયે બીજા દિવસે સ્વાદમાં ફેર ના પડે. રસોડાની તમામ સાધન - સામગ્રીઓ સાથે મમ્મીની ખૂબ સારી મિત્રતા. મસાલાનો ડબ્બો હોય કે પછી ફ્રીજમાં રહેલું શાકભાજીનું ખાનું, આ બધાં જ મમ્મીનાં રસોડાનાં કાયમી સભ્યો છે. જેની જગ્યા કદાચ કોઈ ના લઈ શકે.

રસોડું એટલે મમ્મીની એ પ્રયોગશાળા કે જ્યાં વાનગીઓના  અનેક પ્રયોગો કરવામાં આવે છે, પર્યાવરણ માટેના ત્રણ આર અહીંયા નોખી રીતે જ લાગુ પડે છે. જો કદાચ દૂધ ફાટી જાય તો તેનું પનીરમાં રૂપાંતર થાય છે, ક્યારેક કોઈ વાનગીમાં મીઠું વધારે પડી જાય તો તેમાંથી એક અનામી નવી જ પ્રકારની વાનગીનું સર્જન થાય જેનો સ્વાદ આપણને મોંમાં આંગળા નાંખવા પર મજબૂર કરી દે. કદાચ મારાં જેવા ઘણાં ખાવાના શોખીન લોકો સવારે ઉઠતાં જ રાતનું મેનુ પણ નક્કી કરી લેતાં હશે. 

   રસોડું એટલે એવી જગ્યા જ્યાં વિજ્ઞાનના અનેક કોન્સેપ્ટ કાર્યરત્ છે, એ પછી વરાળ હોય, કાં તો ફૂલેલી રોટલી, કે પછી દહીં બનાવવા માટેનું મેળવણ. ઉકાળેલું પાણી અને વોટર ફિલ્ટર પણ આ યાદીમાંથી બાકાત રહી શક્યા નથી. 

   મમ્મીનું સૌથી પ્રિય મિત્ર એટલે મીઠું . મોટાભાગની વાનગીઓ સાથે તેનું ગજ્જબનું કોલાબોરેશન છે. ખરું ને?
 વિદ્યાર્થીઓને રીસેસમાં મમ્મીનું ટિફિન ખોલવાનું હોય ત્યારે તેઓના મુખ પર એક અલગ જ પ્રકારનું સ્મિત હોય છે. ક્યારેક સૂકો નાસ્તો, તો ક્યારેક બ્રેડ બટર, કાં તો પછી વઘારેલો ભાત, ઢોકળાં, પૌવા અને આવું તો ઘણું જ. 

રાત્રે જયારે મમ્મી સુવે ત્યારે રસોડું પણ થોડું ઊંઘી લે. રસોડું એટલે એ પ્રકારનું નિર્જીવ એમ્પ્લોયર જેના એમ્પ્લોઈ એટલે કે મમ્મીને એ ક્યારેય રજા ભલે ના આપતું હોય પણ બંનેને અલગ કરી શકાય નહીં.

✍️ ~ કિશન દાવડા


મિત્રો, જો આપને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરવા ખૂબ વિનંતી.
દરેક મમ્મીઓને અને દરેક રસોડાની રાણીઓને આ લેખ મોકલો💐😊

આ લેખને અંગ્રેજી (English) ભાષામાં વાંચવા માટે આ લિંક પર જાઓ. 

આપનાં પ્રતિભાવ ચોક્કસથી આપશો.

Comments

Popular posts from this blog

કવિતા:- ઈન્ટ્રોવર્ટ લોકો માટેનું CAN DO SHARE કલ્ચર

Kitchen:- Mom's Leb..